surendranagar news : સુરેન્દ્રનગર જિલ્લામાં ૬ થી ૧૯ વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલા તમામ બાળકોનો સર્વે હાથ ધરાશે
તા.૧૬/૦૪/૨૦૨૪ થી તા.૨૬/૦૪/૨૦૨૪ સુધી થનારા આ સર્વેમાં સરકારના તમામ વિભાગો, જાહેર જનતા અને એનજીઓને સહભાગી થવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો અનુરોધ
જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આર.ટી.ઈ.એક્ટની જોગવાઈ મુજબ ૬ થી ૧૪ વર્ષના વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જે અંતર્ગત સમગ્ર શિક્ષા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ૬ થી ૧૯ વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલા (ધો.૧ થી ધો.૧૨) સુધીનું કદી શિક્ષણ મેળવેલું ન હોય તેવા અને ધો.૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવા તમામ બાળકોનો સર્વે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ શાળા મારફતે હાથ ધરવામાં આવશે. સર્વે દ્વારા આવા બાળકોને ઓળખી ઓનલાઈન એન્ટ્રી કરી નજીકની શાળામાં વયકક્ષા મુજબ ધોરણમાં નામંકન થાય બાદમાં વયકક્ષા મુજબની ક્ષમતા સિદ્ધ થાય તે માટે નિશ્ચિત સમયગાળા માટે સ્પેશિયલ ટ્રેનીંગ મળે તેવા હેતુથી આ સર્વે હાથ ધરવામાં આવશે. તા.૧૬/૦૪/૨૦૨૪ થી તા.૨૬/૦૪/૨૦૨૪ સુધી થનારા આ સર્વેમાં સરકારના તમામ વિભાગો, જાહેર જનતા અને એનજીઓને સહભાગી થવા જણાવવામાં આવ્યું છે. વધુમાં જો આવા બાળકો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની સરકારી શાળાના આચાર્ય, સી.આર.સી કો-ઓર્ડીનેટર, તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર, અથવા જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષાને લેખિત/ મૌખિક/ ટેલીફોનિક (ટોલ ફ્રી નં.૧૮૦૦ ૨૩૩ ૩૧૫૨) કચેરી સમય દરમિયાન જાણ કરવા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.