Ram Navami : રામનવમી લોકોના આદર્શ શ્રીરામ
Ram navami : ભગવાન રામ આચાર ધર્મમાં મૂર્તિમાન સ્વરૂપ હતા. તેમનું સમગ્ર જીવન મૂર્તિમંત આદર્શ હતું. રામરાજ્યની બધા મુક્ત કંઠે પ્રશંસા કરે છે અને ભારતમાં પુન સ્થાપિત કરવાના સ્વપ્ન જુએ છે, તે રામનું રાજ્ય સદાચાર પર પ્રતિષ્ઠિત હતું. જો આજે રામરાજ્ય સાકારિત કરવુ હશે, તો શ્રીરામના જીવનના આદર્શ આચાર-વિચાર જીવનમાં ચરિતાર્થ કરવા પડશે અને તે રીતે જ સદાચાર યુક્ત સમાજ નિર્માણ કરવો પડશે. રામના જીવનના પાયામાં આચાર ધર્મનું અધિષ્ઠાન હતું. માનવ જીવન સુંદર બનાવવાનું સંપૂર્ણ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ જેવું ઉત્તમ ચરિત્ર ભારતીય સંસ્કૃતિના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં કયાંય ઉપલબ્ધ નથી. તેથી રામનું જીવન-ચરિત્ર સમાજમાં નિર્માણ કરવા સારા વિચારો ઘર_ઘરમાં લઇ જવા પડશે.
શ્રીરામનું ચરિત્ર કોઈપણ દ્રષ્ટિથી જઈશું તો બધી જ દૃષ્ટિએ તે આદર્શ, શુભ તથા સદાચાર સંપન્ન હતું, તેથી બ્રહ્મદેવે વાલ્મીકિને કહ્યું તારા કાવ્યમાં એક પણ ખોટો શબ્દ નહીં આવે, તું રામની પવિત્ર અને મનોરમ એવી શ્લોક બધ્ધ કથા નિર્માણ કર. બ્રહ્માજીની પ્રેરણાથી મહર્ષિ વાલ્મિકી દ્વારા રચિત રામચરિત્ર પ્રમાણ અદભુત છે, મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન ચરિત્ર પુત્રના રૂપમાં, ભાઈના રૂપમાં, પતિ અને શિષ્યના રૂપમાં, પિતા, મિત્ર તથા રાજાના રૂપમાં જોવામાં આવે તો પણ સર્વત: સર્વથા, સર્વદા, નિર્મળ, નિષ્કલંક ચંદ્રમાં જેવું વંદનીય તથા આચરણીય ચરિત્ર છે.
ભગવાન શ્રીરામની માતૃભક્તિ આદર્શ હતી. સ્વમાતા અને અન્ય માતાઓ માટેનો પ્રેમ તો હતો જ પણ અતિ કઠોરમાં કઠોર વ્યવહાર કરવાવાળી કૈકયી માટે પણ શ્રીરામે ભક્તિપૂર્ણ અને સન્માનજનક વ્યવહાર હંમેશા રાખ્યો છે. ભગવાન શ્રીરામની પિતૃભક્તિ પણ અદભૂત હતી, પિતાનું વચન પૂરું કરવા માટે અયોધ્યાનું બધું સુખ, વૈભવ છોડીને તે ચૌદ વરસ વનમાં ગયા, ત્યાં જઈને પણ આદિવાસી, વનવાસી,કિરાત, ગિરિજન વગેરે લોકોના જીવનમાં આદર્શ જીવન નિર્માણ કરવા ખૂબ પ્રયત્ન કર્યા.
પ્રભુ શ્રીરામ એક આદર્શ ભાઈ પણ હતા અને રામાયણમાં ઠેકઠેકાણે તેની અભિવ્યક્તિ જણાય છે, ભરતને રાજ્ય આપવા માટે રાજાએ પોતે યાગ્ના કરવાનું કોઈ જ કારણ નથી, ભરત માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે. ભગવાન શ્રીરામની અનાર્યો સાથેની મૈત્રી અજોડ હતી. શ્રીરામ નિષાદાધિપતિ ગૃહ તથા વાનરરાજ સુગ્રીવ એમ બંનેને પોતાના સમકક્ષ મિત્ર બન્યા હતા અને તે પ્રમાણે તેની મૈત્રી નિભાવી હતી. રામે હનુમાનને કહ્યું કે વનવાસમાંથી આપણે પાછા ફર્યા છીએ તેના પ્રથમ સમાચાર ગૃહરાજાને પહોંચાડો અને ગૃહ પ્રત્યેનો સાંખ્ય ભાવ વ્યક્ત કરતાં કહ્યું કે હું સારી સ્થિતિમાં છું, એવા સમાચાર તે સાંભળી ગૃહને અત્યંત આનંદ થશે, કારણ કે હું મારા ઉપર કેટલો પ્રેમ કરું છું, એટલો જ પ્રેમ ગૃહ પર કરું. તે મારો મિત્ર છે, સુગ્રીવ સાથે તો પ્રભુ રામચન્દ્ર અગ્નિની સાક્ષીએ મૈત્રી સંબંધ બાંધ્યો હતો, તું મારો માનીતો મિત્ર હોવાથી આપણે હવેથી સુખ-દુઃખમાં એક રૂપ થયા છીએ.
પ્રભુ રામનો પત્ની સીતા પર પ્રેમ અલૌકિક હતો, પરંતુ સામાન્ય રીતે જનમાનસના ગળે આ વાત ઉતરતી નથી કારણ કે તેણે સગર્ભા અવસ્થામાં સીતાનો ત્યાગ કર્યો હતો, પરંતુ એમના સમગ્ર જીવનનો વિચાર કરીશું તો સમજાશે કે ભાવનાના આંસુઓથી કર્તવ્યની સીમારેખા કદી ભૂસી શકાતી નથી. રામની કઠોર કર્તવ્ય પરિયણતાને ભાવના ઓગળી ન શકી. સીતાના વિરહ તે જીરવી શકતા નથી, તે જંગલના વૃક્ષોને ગાંડા બનીને સીતા વિશે પૂછે છે.
રામ એ એક આદર્શ રાજા હતા. તેની રાજ્યવ્યવસ્થા અનુપમેય, ઉત્કૃષ્ટ હતી. તેથી આજે પણ બધાને રામરાજ્યની ઝંખના છે. મહાત્મા ગાંધીજીએ ભારતમાં રામરાજ્ય સાકાર થાય તેવું સ્વપ્ન જોયું હતું. ઇક્ષ્વાકુ વંશમાં તથા અન્ય વંશમાં શ્રીરામચંદ્ર પહેલા કેટલાય પરાક્રમી મહાન રાજાઓ થઈ ગયા, પરંતુ કોઈના માટે પણ તેમના નામની સાથે રાજ્યની વ્યવસ્થાનું ઉલ્લેખ નથી.
ટૂંકમાં ભગવાન શ્રીરામે મનુષ્ય જીવનના બધા વ્યવહારોને ધર્મની મર્યાદાઓ રાખીને પાલન કર્યું છે, એ એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ, આદર્શ મિત્ર આદર્શ શત્રુ અને આદર્શ રાજા તરીકે તેમણે બધો વ્યવહાર કર્યો છે, આજે લોકોના જીવનમાં રામની જગ્યાએ આસુરીવૃત્તિ આવી છે. માનવી જીવનની બધી મર્યાદા માણસે પાર કરી દીધી છે, ત્યારે પ્રત્યેકના જીવનમાં રામ લઈ જવાની રામાભિમુખ વૃતિ બનાવવાની જરૂર છે. રામ નવમીનો ઉત્સવ ઉજવતા જીવનમાં આ દ્રષ્ટિ કેળવાશે તો જ આ ઉત્સવ ખરા અર્થમાં ઉજવાયો ગણાશે.