Know Your Polling Station loksabha election gujarat : ″તમારા મતદાન મથકને જાણો″ કેમ્પેઈન અંતર્ગત હળવદ તાલુકાના કવાડીયા અને સુખપર ગામનાં મતદાન મથકની મુલાકાત લેતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેયુર સંપટ
મતદાન મથકે પ્રાપ્ય પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે સમીક્ષા કરી સૂચના માર્ગદર્શન આપ્યા
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે આગામી તા. ૦૭ મે ના રોજ ૦૯ – સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. સી. સંપટે “તમારા મતદાન મથકને જાણો” કેમ્પેઈન અન્વયે ૬૪ – ધાંગધ્રા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ૨૪૯-કવાડીયા-૧, ૨૫૦-કવાડીયા-૨ તથા ૨૫૧-સુખ૫ર-૧ ગામનાં મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ધાંગધ્રા પ્રાંત અધિકારી એચ. કે. આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં સરળતા રહે તે માટે કલેકટરએ હાજર બુથ લેવલ ઓફિસર પાસેથી જરૂરી તૈયારીઓ, મતદાન મથકે પ્રાપ્ય પીવાના પાણીથી લઈ શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતાં
આ તકે બુથ પર હાજર બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંક, ત્યાંની સુવિધાઓ જેવી કે, પાર્કિંગ, વ્હિલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી પોતાના મતદાન મથકની મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી.
ઉલેલખનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવનવી પહેલો હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સૌ પ્રથમવાર મતદારો પોતાના મતદાન મથકના સ્થળ, મતદાન માટેના જરૂરી પુરાવા અને મતદાન મથક પરની પ્રાથમિક સુવિધાઓ અંગે આગોતરા માહિતગાર થઈ શકે તે માટે “Know Your Polling Station -તમારા મતદાન મથકને જાણો” કેમ્પેઈન સમગ્ર રાજ્યમાં યોજાયું હતું. સાથે જ તમામ મતદાન મથકોએ ‘ચુનાવ પાઠશાળા’ અને ‘સ્વચ્છ બુથ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહત્તમ મહિલા મતદારો સહપરિવાર મતદાન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.